ICC T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આ T20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝના શાનદાર ઓલરાઉન્ડરને પોતાની કોચિંગ ટીમમાં સામેલ કર્યો છે, જે ઈંગ્લેન્ડના ખેલાડીઓને કેરેબિયન પરિસ્થિતિઓથી વાકેફ કરશે.
વેસ્ટ ઈન્ડિઝનો આ બેટ્સમેન ઈંગ્લેન્ડને T20 World Cup ની ટ્રોફી જીતવામાં મદદ કરશે
ICC T20 World Cup 2024 માં હજુ 6 મહિના બાકી છે. ઈંગ્લેન્ડે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને તેના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યો છે. ECBએ રવિવારે આની જાહેરાત કરી હતી. પોલાર્ડે એપ્રિલ 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
કિરોન પોલાર્ડ 2012 T20 World Cup જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ હતો. તેણે પોતાની કારકિર્દીમાં 637 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, પોલાર્ડ 167 વખત અણનમ રહ્યો અને તેણે 12390 રન બનાવ્યા જેમાં 1 સદી અને 58 અડધી સદી સામેલ હતી. પોલાર્ડે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. તેણે આ કારનામું શ્રીલંકા સામે સ્પિનર ધનંજય ડી સિલ્વાની ઓવરમાં કર્યું હતું. પોલાર્ડ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઘણી સીઝન રમ્યો હતો.
આ પણ વાચો: ભારતીય ક્રિકેટમાં 64 વર્ષ પછી આ ઈતિહાસનું પુનરાવર્તન થયું, જાણો એ ઘટના વિશે.
પોલાર્ડ ઇંગ્લેન્ડની ટીમ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાશે
ECB અનુસાર, ‘વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડને આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ICC મેન્સ T20 World Cup માટે ઈંગ્લેન્ડની પુરૂષોની કોચિંગ ટીમમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલાર્ડ ટી-20 વર્લ્ડ કપ માટે આસિસ્ટન્ટ કોચ તરીકે ઈંગ્લેન્ડની મેન્સ ટીમ સાથે જોડાશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે જાણકારી આપશે.
પોલાર્ડે 63 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશીપ કરી છે
કિરોન પોલાર્ડે 63 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરી છે. તેણે 101 મેચમાં 1569 રન બનાવ્યા અને 42 વિકેટ લીધી. આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ મહત્વનો ભાગ હતો જેણે રોહિત શર્માની કપ્તાની હેઠળ પાંચ ઈન્ડિયન પ્રીમિયર લીગ ટાઈટલ જીત્યા હતા. પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ છોડી દીધી હોવા છતાં, તે હજુ પણ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સક્રિય છે અને તાજેતરમાં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સને કેરેબિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં લઈ ગયો હતો.